સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભાડેથી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર મેળવી તેની GPS સિસ્ટમ બંધ કરી બારોબાર કાર સગેવગે કરતી ગેંગના મુખ્ય સાગરીતને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે અડાજણ સરદાર બ્રિજ નીચે પાર્કિંગમાંથી દીપ હરેશભાઈ ડોબરિયાને ઝડપી પાડયો હતો. તેની પાસેથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કિયા સેલ્ટોસ કાર મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક સફેદ અર્ટીગા કાર પણ જપ્ત કરવામાં આવી છે.

અર્ટીગા કાર 11 મહિનાના ભાડા કરાર પર લીધી હતી

પૂછપરછ દરમિયાન દીપ ડોબરીયાએ ગત ડિસેમ્બર 2025માં અમરોલીના સચિન રાઠોડ પાસેથી અર્ટીગા કાર 11 મહિનાના ભાડા કરાર પર લીધી હતી. માત્ર એક જ મહિનાનું ભાડું આપી તે ગાડી ઓળવી ગયો હતો અને બાદમાં મૂળ માલિકે પૈસા માંગતા જો હવે ફોન કર્યો છે કે આજુબાજુ દેખાયા છો તો જીવતા નહીં છોડું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે અમરોલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. 

સ્યુસાઇડનો વીડિયો મોકલી બ્લેકમેઈલ કર્યો

આરોપી દીપની મોડસ ઓપરેન્ડી એવી હતી કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી લગ્ન પ્રસંગ અને રાજસ્થાન ફરવા જવાના બહાને ભાડે લીધેલી કાર અને તેના રૂપિયા કાર માલિકે માંગ્યા ત્યારે દીપે કારના માલિકને ડરાવવા દીપે સ્યુસાઇડનો વીડિયો મોકલી બ્લેકમેઈલ કર્યો હતો. માસ્ટરમાઇન્ડ દીપ ડોબરીયા ગુનાહિત માનસિકતા ધરાવે છે. વર્ષ 2025માં સરથાણા પોલીસ મથકે તેની સામે અપહરણ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો. જેમાં તેણે પોતાની ગાડી એક મિત્રને ભાડે આપી હતી અને ગાડીનો એક્સિડન્ટ થતાં નુકસાનીના 1.95 લાખ વસૂલવા માટે યોગીચોકથી યુવકનું છરી બતાવી અપહરણ કર્યુ હતું જેમાં તે જેલવાસ ભોગવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ Surat Weather: શહેરમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી