ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સાથે મળીને એક સફળ ઓપરેશન પાર પાડી HPCLની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.આ ગેંગે જમીનમાં પાઈપલાઈનને ગેરકાયદેસર પંચર કરીને વાલ્વ લગાવી ઓઈલ ચોરી કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીકથી એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી.તેની કડક પૂછપરછમાં મળેલી વિગતોના આધારે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં આવેલા એક ઢાબા પરથી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી
HPCLના અધિકારીઓ અને રાજસ્થાન પોલીસની હાજરીમાં ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપીઓએ જમીનમાં 3થી 4 ફૂટ ઊંડા ખાડા ખોદીને પાઈપલાઈનમાં ગેરકાયદે વાલ્વ ફીટ કર્યા હતા.જેના દ્વારા તેઓ અંધારાનો લાભ લઈને ઓઈલ ચોરી લેતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવીનચંદ્ર સોની,ધોરાજીના જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, મુકેશ કુમાર શંકરલાલ મેઘવાલ, રણજિત રામધની ચોરસિયા, રમેશ પ્રહલાદજી ઠાકુર, સુરેજી ભોપાજી ઠાકુર, મહેશ બાબુજી ઠાકુર તેમજ ઉત્તર પ્રદેશના દિલિપ ઓમપ્રકાશ યાદવનો સમાવેશ થાય છે.
