ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. આ બાબત લોકોના માનસ પર છવાઈ ગઈ છે. ત્યારે દારૂનો ગેરકાયદે વેપાર કરનારા બુટલેગરો પણ પોલીસથી બચવા અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યાં છે. એન્જિનિયરો કરતાં પણ બુટલેગરોના મગજ તેજ ચાલી રહ્યાં છે તેનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પકડાયેલા દારૂના કેસ પરથી જાણી શકાય છે.


સ્વીચબોર્ડની વચ્ચે ગુપ્તખાનામાં દારુ બિયરનો જથ્થો સંતાડ્યો

અમદાવાદમાં એલસીબી પોલીસે બારેજાના ચુનારા વાસમાં બે મકાનમાં દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે તેના મકાનમાં દિવાલ અને સ્વીચબોર્ડની વચ્ચે ગુપ્તખાનામાં દારુ બિયરનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે વિદેશી દારુ અને બિયરની 790થી વધુ બોટલો કબજે કરી હતી. મહિલા બુટલેગરે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાની માતાના મકાનમાં સંતાડ્યો હતો. આ ઉપરાંત મકાનમાં ટોઇલેટના કમોડ નીચે ખાડો ખોદીને તેમાં દારૂ બિયરની બોટલો સંતાડી હતી.

એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ભર્યો

અમદાવાદના ચાંદખેડામાં એક બુટલેગરે પોતાના મકાનની બાજુમાં ખાડો ખોદીને વિદેશી દારુ છુપાવ્યો હતો. પોલીસે દારુ અને બિયરની 229 બોટલો કબજે કરી હતી. આ ઉપરાંત અમદાવાદના SP રિંગરોડ પર સંજરી પાર્ટી પ્લોટમાં પાર્ક કરેલા કન્ટેનરમાંથી દારુ ઝડપાયો હતો. કન્ટેનરમાંથી 53.95 લાખની દારૂની બોટલ ઝડપાઈ હતી.ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત સુરતના ભેસ્તાન વિસ્તારમાં બુટલેગરે પોતાની દુકાનમાં એન્જિન ઓઈલના ડબ્બામાં દારૂ ભર્યો હતો. પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


  • Follow us on: