અમદાવાદના રાણીપ વિસ્તારમાં સંબંધોને લજવતો અને ચોંકાવનારો એક બનાવ સામે આવ્યો છે, જ્યાં મિત્રોએ જ તેમના મિત્ર નરેશ ઠાકોરની જાહેરમાં ઘાતકી હત્યા કરી નાખી છે. નરેશના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, હત્યારા મિત્રોએ નરેશને તેના જન્મદિવસની કેક કાપવાના બહાને બોલાવ્યો હતો. જોકે, આ મિત્રતાની આડમાં જૂના વેરનો બદલો લેવાનું કાવતરું હતું. પરિવારે જણાવ્યું કે, નરેશને બોલાવ્યા બાદ પૈસાની લેતી-દેતીના મુદ્દે તેમની વચ્ચે માથાકૂટ થઈ હતી અને મામલો ઉગ્ર બનતા તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી રાણીપ વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને લોકોમાં આક્રોશ ફેલાયો છે.
પૈસાની જૂની તકરારનો કરુણ અંજામ
હત્યાના મૂળમાં પૈસાની લેવડ-દેવડ હોવાનું સામે આવ્યું છે. મૃતક નરેશ ઠાકોરના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આ મામલે એક વર્ષ પહેલાં પણ આરોપી મિત્રો સાથે નરેશને બોલાચાલી થઈ હતી. એવું લાગી રહ્યું છે કે જૂની અદાવતનો બદલો લેવા માટે મિત્રતાના નામે જાળ બિછાવવામાં આવી હતી. પરિવારજનોએ સ્પષ્ટપણે ચાર મિત્રો પર હત્યા કરવાનો આક્ષેપ મૂક્યો છે. જાહેરમાં હત્યાની આ ઘટનાએ અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઊભા કર્યા છે, કારણ કે નરેશને તીક્ષ્ણ હથિયારથી મારવામાં આવ્યો હોવાની સંભાવના છે.













