અમદાવાદના ભીડભાડ વાળા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ બહુચર માતાના મંદિરમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે.મંદિરમાં માતાજીના દર્શન કરવા આવેલા એક શ્રદ્ધાળુ વૃદ્ધનો કિંમતી આઈફોન તસ્કરે નજર ચૂકવીને સેરવી લીધો હતો.આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ છતી કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.
તસ્કર ભીડનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો
પીડિત વૃદ્ધ લાલ દરવાજા સ્થિત બહુચર માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જ્યારે વૃદ્ધ માતાજીના દર્શનમાં અને ભક્તિમાં લીન હતા ત્યારે જ ચોરે તેમની આસપાસ રેકી કરીને તકનો લાભ ઉઠાવ્યો હતો.વૃદ્ધનું ધ્યાન ન હતું ત્યારે તસ્કરે અત્યંત ચાલાકીપૂર્વક તેમના ખિસ્સામાંથી આઈફોન બહાર કાઢી લીધો હતો અને ભીડનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.દર્શન પૂર્ણ કરીને મંદિરની બહાર આવ્યા બાદ જ્યારે વૃદ્ધે પોતાનો ફોન તપાસ્યો ત્યારે તેમને ખિસ્સામાંથી આઈફોન ગાયબ હોવાની જાણ થઈ હતી.
