બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા જલાલપુર ગામે ખુલ્લેઆમ અને બેફામપણે થઈ રહેલા ગેરકાયદે દારૂના વેચાણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દારૂના દૂષણે ગામની શાંતિ અને પરિવારના માળખાને છિન્નભિન્ન કરી મૂક્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકોએ દારૂનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની માગ સાથે જંગ એલાન કર્યું છે.

9 કિલોમીટરની પગપાળા યાત્રા યોજી વિરોધ નોંધાવ્યો

સ્થાનિક તંત્ર અને પોલીસ નિષ્ક્રિય હોવાનો આરોપ લગાવીને જલાલપુર ગામના જાગૃત નાગરિકોએ વિરોધનું આક્રમક વલણ અપનાવ્યું હતું. ગામના લોકોએ જલાલપુરથી શરૂ કરીને ઢસા પોલીસ સ્ટેશન સુધી 9 કિમીની લાંબી પદયાત્રા યોજી હતી. કાળઝાળ ગરમી કે મુશ્કેલીઓની પરવા કર્યા વિના ગ્રામજનો પગપાળા ચાલીને પોતાની માંગ રજૂ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

મહિલાઓ રણચંડી બની, સૂત્રોચ્ચારથી પરિસર ગુંજી ઉઠ્યું

આ પદયાત્રામાં ગામની મહિલાઓ વિશેષરૂપે આગળ આવી હતી. મહિલાઓ સહિત 30 જેટલા ગ્રામજનો આ પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા દરમિયાન લોકોના હાથમાં "દારૂ બંધ કરો" અને "હપ્તાખોરી બંધ કરો" જેવા આકરા લખાણ વાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. આવેદન આપવા પહોંચેલા ગ્રામજનોના જોરદાર સૂત્રોચ્ચારથી ઢસા પોલીસ સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Botad News: Jalalpur Villagers Hold 9 km March Against Illegal Liquor Sale

ઢસા PIને આવેદન આપી આંદોલનની ચીમકી આપી

ઢસા પોલીસ સ્ટેશને પહોંચીને ગ્રામજનોએ ઢસા PIને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલાલપુર ગામે ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવાની કડક રજૂઆત કરી હતી. આ સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં ગામમાંથી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમગ્ર ગામ એકજૂથ થઈને ઉગ્ર આંદોલન આદરશે.


આ પણ વાંચો: Botad News: બરવાળામાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 1,109 કિલો અનાજ જપ્ત