ખેડા જિલ્લાના ચંલીન્દ્રા ગામની સીમમાં આવેલા નવાગામ-નાયકા રોડ પર શંકાસ્પદ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઈ છે. નવાગામ-નાયકા રોડ પર ONGC વેલ નંબર નજીક એક કાર અવાવરું હાલતમાં પડી હતી. સ્થાનિક ગ્રામજનોની નજર કાર પર પડતાં અને અંદર તપાસ કરતાં 32 વર્ષીય યુવક બેભાન તથા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મૃતકની ઓળખ અમદાવાદના નારોલના અમિત શર્મા તરીકે થઈ
ઘટનાની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારમાંથી મળી આવેલા કાગળો અને તપાસના આધારે મૃતકની પ્રાથમિક ઓળખ મેળવી લીધી છે. મૃતક યુવક અમદાવાદના નારોલ કોર્ટ નજીક આવેલા શ્રીજી બંગ્લોઝમાં રહેતો 32 વર્ષીય અમિત અશોકકુમાર શર્મા હોવાનું સામે આવ્યું છે. યુવકના ડાબા હાથના કાંડાની નસ તીક્ષ્ણ રીતે કપાયેલી હાલતમાં મળી આવી હતી, જેના કારણે વધુ પડતું લોહી વહી જવાને લીધે તેનું મોત થયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
