સુરત જિલ્લાના ઓલપાડ પંથકમાં મિત્રતાને કાળીમા લગાડતી અને સનસનાટી મચાવનારી ઘટના સામે આવી છે. ઓલપાડમાં રહેતા સંતોષ દલાઈ નામના યુવક પર તેના જ મિત્રોને પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાનો ગંભીર વહેમ હતો. આ જ શંકા અને વહેમના આવેશમાં આવીને મિત્રોએ ઘાતકી પ્લાન ઘડી કાઢ્યો હતો. ગત 9 ઓક્ટોબરના રોજ આરોપીઓએ સંતોષ દલાઈને જબરદસ્તીથી કારમાં બેસાડીને તેનું અપહરણ કરી લીધું હતું, જે અંગે પરિજનો દ્વારા કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
આંધી ગામની કેનાલમાંથી મળી સંતોષ દલાઈની લાશ
અપહરણના આ ચર્ચિત કેસમાં કિમ પોલીસ દ્વારા સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, તેવામાં આંધી ગામ નજીક આવેલી કેનાલમાંથી સંતોષ દલાઈનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ કિમ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી.
