અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે મણિનગર ચાર રસ્તાથી જયહિંદ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર આવેલા LG શોરૂમ સામે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 198.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 5.95 લાખ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચવાનું નેટવર્ક
ઝડપાયેલા આરોપીની ઓળખ શાહરૂખખાન ઉર્ફે બાવા શરીફખાન પઠાણ તરીકે થઈ છે, જે હાલ મધ્યપ્રદેશના મંદસોર ખાતે નારસૈયદ દરગાહ પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મંદસોરથી જથ્થાબંધ MD ડ્રગ્સ ખરીદીને અમદાવાદ લાવતો હતો અને અહીંના સ્થાનિક ડ્રગ્સ પેડલરોને સપ્લાય કરતો હતો. પકડાયેલા આરોપી આ અગાઉ રાજસ્થાનના ગડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 કિલોગ્રામ લીલા ગાંજા સાથે NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.
