ભાવનગર વિદેશી દારૂ લઠ્ઠાકાંડની તપાસમાં પોલીસ અને તપાસ એજન્સી દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ ઉજ્જૈનથી કોઈપણ પ્રકારનો દારૂ ખરીદ્યો જ ન હતો, પરંતુ જાતે જ બે વખત ડુપ્લીકેટ દારૂ તૈયાર કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં આરોપીઓએ 51 પેટી દારૂ ઇથેનોલ મિશ્રિત કરીને બનાવ્યો હતો, જે બજારમાં વેચાઈ જતાં તેમણે બીજી વખત દારૂ બનાવવાનું જોખમી આયોજન કર્યું હતું.
ઇથેનોલને બદલે ઝેરી 'મિથેનોલ' વાપર્યું
બીજી વખત દારૂ બનાવતી વખતે આરોપીઓએ ભયાનક ભૂલ કરીને ઇથેનોલના બદલે અત્યંત જાનલેવા કેમિકલ 'મિથેનોલ'નો ઉપયોગ કરી નાખ્યો હતો. આ મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાના કારણે ખુદ દારૂ બનાવનાર નરેન્દ્ર યાદવની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આમ છતાં, આ ઝેરી દારૂ ગૌતમ સોલંકીએ પોતાના સાગરીતો મારફતે અલગ-અલગ વિસ્તારોમાં વેચાણ અર્થે પહોંચાડ્યો હતો, જેના કારણે આ ભયાનક લઠ્ઠાકાંડ સર્જાયો હતો.
