સોનિયા ગાંધીની આત્મકથા ‘Belonging: A Journey of Love’ આગામી નવેમ્બરમાં પ્રકાશિત થવા જઈ રહી છે. આ પુસ્તકના પ્રસંગે રાહુલ ગાંધીએ પોતાની માતાના સંઘર્ષ, સાહસ અને અંગત જીવનને યાદ કરતાં ભાવુક સંદેશ આપ્યો છે. રાહુલે કહ્યું કે, પિતા રાજીવ ગાંધીને ગુમાવ્યા બાદ તેમણે પોતાની માતાને જીવનના દરેક પડકારનો અડગ હિંમત અને ગૌરવ સાથે સામનો કરતા જોઈ છે. તેમણે ભાવુક થઈને કહ્યું કે, માત્ર તેઓ અને પ્રિયંકા જ જાણે છે કે પિતાના ગયા બાદ તેમની માતાએ કેટલું સહન કર્યું છે.

ઈટાલીથી ભારત સુધીની સફર અને રાજીવ ગાંધી સાથેની પ્રેમકથા

સોનિયા ગાંધીની આત્મકથામાં તેમના યુદ્ધ પછીના ઈટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથે થયેલી મુલાકાત, પ્રેમ અને લગ્ન સુધીની કહાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધી પરિવારમાં પ્રવેશ, ઈંદિરા ગાંધી સાથેના સંબંધો, હિન્દી શીખવા અને ભારતીય સંસ્કૃતિ અપનાવવાના અનુભવો સાથે સંજય ગાંધીના નિધન અને ઈંદિરા ગાંધીની હત્યા જેવા આઘાતજનક પ્રસંગોનો પણ ઉલ્લેખ છે. પુસ્તકમાં 2004ની લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઈનકાર કરીને મનમોહન સિંહને સરકારનું નેતૃત્વ સોંપવાનો નિર્ણય પણ મહત્વનો પ્રસંગ રહેશે.

રાજીવ ગાંધીના જન્મદિવસે રાહુલનું ભાવુક નિવેદન

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીના જન્મદિવસે પોતાની માતા માટે લખેલા સંદેશમાં કહ્યું કે, તેઓ કલ્પના કરી શકે છે કે તેમના પિતા આજે ઉપરથી સ્મિત કરી રહ્યા હશે અને પોતાની ‘સુંદર સોનિયા’ને ગર્વથી જોઈ રહ્યા હશે. સોનિયા ગાંધીએ પણ કહ્યું છે કે પોતાના જીવન વિશે લખવું તેમના માટે સરળ નહોતું, કારણ કે તેના માટે વર્ષોથી મનમાં સાચવી રાખેલા દુઃખ અને અનુભવોને દુનિયા સામે વ્યક્ત કરવા પડ્યા. ‘Belonging: A Journey of Love’ દ્વારા તેઓ પોતાના અંગત જીવનની સાથે છેલ્લા છ દાયકામાં ભારતના સામાજિક અને આર્થિક પરિવર્તનોને પણ પોતાના અનુભવની નજરે રજૂ કરશે.

આ પણ વાંચો : Bhavnagar News : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી લઈને છેલ્લી બોટલ સુધી થશે તપાસ