અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે લાવવામાં આવતું સોનું ઝડપી પાડ્યું છે. કતાર એરવેઝની ફ્લાઈટ મારફતે જેદ્દાહથી અમદાવાદ પહોંચેલા એક મુસાફરની શંકાના આધારે તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ્સની સઘન તપાસ દરમિયાન મુસાફર પાસેથી અંદાજે રૂ. 65.69 લાખની કિંમતનું 422 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જેને કસ્ટમ્સ વિભાગે જપ્ત કરી લીધું છે.
શરીરમાં ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવ્યો હતો મુસાફર
સોનાની તસ્કરી કરવા માટે મુસાફરે અનોખી કીમિયો અપનાવ્યો હતો. તેણે સોનાને પેસ્ટના સ્વરૂપમાં ફેરવીને પોતાના શરીરમાં ગુપ્ત રીતે છુપાવ્યું હતું, જેથી સિક્યોરિટી ચેકિંગમાંથી બચી શકાય. જોકે, કસ્ટમ્સના અધિકારીઓની ચાંપતી નજર અને ચોક્કસ બાતમી અથવા શંકાના આધારે મુસાફરની તલાશી લેવાતાં આ ગોલ્ડ પેસ્ટ પકડાઈ ગઈ હતી.
