અમદાવાદ શહેરમાં આયોજનબદ્ધ રીતે ચાલતા મોટા મનપસંદ જિમખાના જુગારધામ પર પોલીસે પાડેલા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.જુગારના આ નેટવર્કમાં કાયદાની પકડથી બચવા અને કડીબદ્ધ પુરાવા ન મળે તે માટે આરોપીઓએ રોકડની સાથે સાથે જાણીતી આંગડિયા પેઢીઓ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે હારજીતના મોટા નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે કેશિયર અને જુગાર રમાડનાર મુખ્ય નવ આરોપીઓ વિરુદ્ધ સચોટ પુરાવા એકત્ર કરવા અને એફએસએલ તપાસ માટે મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. માત્ર સામાન્ય જુગાર નહીં, પરંતુ એક સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા આયોજનબદ્ધ રીતે આ અડ્ડો ચલાવવામાં આવતો હતો.
આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
રિમાન્ડમાં તપાસનીશ અધિકારીએ શંકા વ્યક્ત કરી છે કે જુગાર દ્વારા મેળવાયેલા કાળા નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરી તેનો ઉપયોગ આતંકવાદ કે નાર્કોટિક્સ ડ્રગ્સ જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થયો હોઈ શકે છે.આ ગંભીર નેટવર્કનો પર્દાફાશ કરવો જરૂરી છે.જ્યારે 178 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. એસએમસીના અધિકારીએ ગોવિંદ પટેલ, સત્તાર વોરા, હુસેન સિપાઈ, લક્ષ્મણ પરમાર, દિનેશ ભાવસાર, કિશોર પઢિયાર, નારણ રાવલ, સલીમ મસુરી અને આનંદ ઠાકોરના રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી.રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે, જુગારધામમાં બહારથી રમવા આવતા ગ્રાહકો પાસેથી મોટી હારજીતના નાણાકીય વ્યવહારો માટે અલગ-અલગ આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા
માધુપુરા અને કાલુપુર વિસ્તારની જાણીતી આર.કે. આંગડિયા, રમેશ કાંતિ આંગડિયા, એચ.આર. આંગડિયા અને પી.એમ. આંગડિયા પેઢી મારફતે વ્યવહારો થયાનું ખુલ્યું છે. આ પેઢીઓમાંથી દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જુગાર રમવા આવતા ગ્રાહકો રોકડ ઉપરાંત ઓનલાઈન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મારફતે પણ હારજીતના પૈસાની લેવડદેવડ કરતા હતા. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નેટવર્ક અને બેંક ખાતાઓની ઊંડી તપાસ કરવાની છે. કેશિયર આરોપી નારણ રાવલ અને ટેબલ ભાડે રાખી જુગાર રમાડનાર આરોપી લક્ષ્મણ પરમારની જીમખાના પાસે પાર્ક કરેલી મોપેડમાંથી જુગારના પૈસા કબજે કરવામાં આવ્યા છે.
આંક લખેલી-સહી કરેલી ચિઠ્ઠીઓ મળી આવી
રેડ દરમિયાન આંક લખેલી અને સહી કરેલી ચિઠ્ઠીઓ તેમજ પ્રિન્ટેડ શીટ મળી આવી છે.આવી અન્ય ગુપ્ત ચિઠ્ઠીઓ અને હિસાબો ક્યાં સંતાડયા છે તે અંગે યુક્તિપ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરાશે.કબજે કરાયેલી ચિઠ્ઠીઓ આરોપી નારાયણનાથ ઉર્ફે નારણ કમલનાથ રાવલ દ્વારા જુગાર રમવા આવનાર વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી લખી સહી કરી આપ્યાનું ખુલ્યું છે. સચોટ વૈજ્ઞાનિક પુરાવો મેળવવા આરોપીના હસ્તાક્ષરના નમૂના લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા તેની તપાસ ચાલુ
આરોપીઓએ જુગારના નેટવર્કથી મેળવેલા લાખો રૂપિયાના હિસાબો અને આ ગુનામાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલુ છે. પોલીસ રેડ દરમિયાન ઘણા આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓએ જ તેમને જુગાર રમવા બોલાવ્યા હોવાથી, ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા અને તેમના નેટવર્કને તોડવા માટે રિમાન્ડ જરૂરી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી