અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. ઓઢવ વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર પાર્ક બ્રિજ પાસે અજાણ્યા તત્વોએ એક વેપારીને ટાર્ગેટ બનાવીને રૂ. 34 લાખની રોકડ રકમની સરેઆમ લૂંટ ચલાવી હતી.

બેંકમાંથી રૂપિયા લઈને નીકળેલા વેપારીને આંતર્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, વેપારી કેતનભાઈ પરીખ બેંકમાંથી રૂ. 34 લાખની રોકડ રકમ ઉપાડીને પોતાના એક્ટિવા પર પેઢીમાં જમા કરાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજેન્દ્ર પાર્ક બ્રિજ નજીક અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ વેપારીને જબરદસ્તીથી પોતાની ગાડીમાં બેસાડી દીધા હતા અને તેમની પાસે રહેલી મોટી રકમ પચાવી પાડી હતી.

ગાંધીનગરના ધોળાકુવા પાસે ઉતારીને આરોપીઓ ફરાર

શાતિર લૂંટારુઓ વેપારીને ગાડીમાં બંધક બનાવીને ઓઢવથી સીધા ગાંધીનગર તરફ લઈ ગયા હતા. ત્યાં ધોળાકુવા નજીક અવાવરુ જગ્યા પર વેપારીને ગાડીમાંથી નીચે ઉતારી મૂક્યા હતા અને રૂ. 34 લાખ રોકડા લઈને પળવારમાં રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવથી ભયભીત થયેલા વેપારીએ ત્વરિત પોતાના સગા-સંબંધિઓ અને પોલીસને જાણ કરી હતી.

ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે ચક્રો ગતિમાન કર્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે અને લૂંટારુઓએ અપનાવેલા રૂટ પર તૈનાત થઈ ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને લૂંટારુઓની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Ahmedabad News: પીજી સંચાલકોનો આંતક, વાહન પાર્કિંગ મામલે યુવકો પર હુમલો, પોલીસ ચોપડે નોંધાયો ગુનો!