અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે રહેઠાણ બનતા પેઈંગ ગેસ્ટ એટલે કે PG સંચાલકોની મનમાની અને દાદાગીરીના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ નવરંગપુરા વિસ્તારમાં આવેલા જાણીતા પીજીમાં સર્જાયેલી એક ઉગ્ર બબાલે સમગ્ર શહેરમાં ચકચાર જગાવી દીધી છે. સામાન્ય બાબતમાં શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
વાહન પાર્કિંગ મુદ્દે યુવકો સાથે મારામારી
પ્રાપ્ત માહિતી અનુસાર, નવરંગપુરા વિસ્તારમાં ધ યુનાઇટેડ સ્ટેટ નામના પીજીમાં રહેતા યુવકો સાથે વાહન સાઇડમાં પાર્ક કરવા બાબતે ગરમાગરમી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી બાદ પીજીના માલિક અને મેનેજરે ઉશ્કેરાઈને યુવકો સાથે મારામારી કરી હતી. આક્ષેપ છે કે, આરોપીઓએ એકાએક હુમલો કરીને યુવકોને માર માર્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી.

