અમદાવાદ શહેરમાં દારૂબંધીના કાયદાને મજાક બનાવતા બૂટલેગરો હવે નવી-નવી તરકીબો અજમાવી રહ્યા છે, પરંતુ અમદાવાદ પીસીબીની ટીમે બાતમીદારોના સચોટ નેટવર્કના આધારે ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી બુટલેગિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. મોંઘીદાટ અને લક્ઝુરિયસ કારોમાં કોઈ પોલીસ ચેકિંગ ન થાય તેવા વહેમમાં બૂટલેગરો કડીથી અમદાવાદમાં દારૂ સપ્લાય કરી રહ્યા હોવાની પાકી માહિતી પીસીબીની ટીમને મળી હતી. આ માહિતીના આધારે પીસીબીના ઉચ્ચ અધિકારીઓએ ચાંદલોડિયા AMTS બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે જ જાળ બિછાવી દીધી હતી.
એસટી બસ સ્ટેન્ડ પાસે ઘેરાબંધી કરીને પકડ્યા
જેવી જ શંકાસ્પદ ફોર્ચ્યૂનર અને ક્રેટા સહિતની 3 કાર ચાંદલોડિયા બસ સ્ટેન્ડ પાસે આવી, કે તરત જ પીસીબીના જવાનોએ ફિલ્મી સ્ટાઇલમાં આ વાહનોને ચારેય તરફથી ઘેરી લીધા હતા. ગાડીઓની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોંઘીદાટ ગાડીઓની સીટો અને ડીકીના ભાગે સ્પેશિયલ ખાના બનાવીને સંતાડેલી ૧૨૫૩ બોટલ વિદેશી દારૂ અને પ્રીમિયમ બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ અમદાવાદના લિસ્ટેડ અને પોલીસ ચોપડે અવારનવાર ચડી ચૂકેલા કુખ્યાત બૂટલેગર સલીમ ઉર્ફે તોતો સહિત કુલ 4 આરોપીઓને રંગેહાથ દબોચી લીધા હતા.










