અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને ગુનેગાર તથા અસામાજિક તત્વોનું ગુંડારાજ શરુ થતું હોય તેમ લાગી રહ્યું છે. ગોમતીપુરમાં અસામાજિક તત્વોના આતંક મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.


આરોપીઓએ ગોમતીપુર પોલીસને ખુલ્લો પડકાર નાખ્યો

તાજેતરમાં જ ગોમતીપુર વિસ્તારમાં ચાલતા દારુ અને જુગારના અડ્ડાઓ અંગે અરજી કરનાર મહેશ દેસાઈનું પોલીસ સ્ટેશનની નજીક જ 6 લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. જેની ગંભીર નોંધ પોલીસ કમિશનર કચેરી સુધી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોએ ગોમતીપુર પોલીસને ખુલ્લો પડકાર નાખ્યો છે. જેમાં ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે ગત 14 સપ્ટેમ્બરની મોડી રાતે મરિયમબીબી મસ્જીદ પાસે રહેતા પરિવાર સાથે જુના ઝઘડાની અદાવત રાખીને બે શખ્સોએ પરિવાર સાથે રહેતી મહિલાના ઘરમાં ઘુસી જઈને તેને પેટના ભાગે લાતો મારીને ઘરમાં તોડફોડ કરી હતી.

ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ તોડી નાખ્યા

ત્યારબાદ નજીકમાં આવેલી મોબાઈલની દુકાનના સીસીટીવી કેમેરા તથા મહિલાના ઘરના સીસીટીવી કેમેરા પણ આરોપીઓએ તોડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટપોરીઓએ મચાવેલા આતંકની તમામ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતા પોલીસની શાખ પર અનેક સવાલો ઉભા થતા આખરે ગોમતીપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપી સગા ભાઈઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ગોમતીપુર મરિયમબીબી મસ્જીદ નજીક પત્ની અને બાળકો સાથે રહેતો 38 વર્ષીય તસ્લીમ આરીફ શેખ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે, જેમણે ગત 14 સપ્ટેમ્બરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની વિગતોની વાત કરીએ તો ફરિયાદી રાતે તસ્લીમ રીક્ષાના ફેરા પતાવીને ઘરે આવ્યો હતો અને ભોજન બાદ પત્ની અને બાળકો સાથે બેઠો હતો.

બંને ભાઈઓ હાથમાં લાકડાના દંડા અને છરી લઈને તસ્લીમના ઘરે આવી પહોંચ્યા

ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યે આજ વિસ્તારમાં રહેતા સરવર હસરતઉલ્લા અંસારી તથા તેનો નાનો ભાઈ કેફ ઉર્ફે કેફુ અંસારીને તસ્લીમ અને તેના પરિવાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને બંને ભાઈઓ હાથમાં લાકડાના દંડા અને છરી લઈને તસ્લીમના ઘરે આવી પહોંચ્યા અને તસ્લીમના ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમરા તોડીને ગાળો બોલવા લાગ્યા હતા. તોડફોડનો અવાજ અને બુમો સંભળાતા તસ્લીમ અને તેની પત્ની ઘરની બહાર નીકળ્યા તો બંને ભાઈઓ ઘરમાં ઘુસી ગયા અને ઘરમાં રહેલા સામાનની તોડફોડ કરીને તસ્લીમના ગળે છરી મુકીને ધમકાવવા લાગ્યા હતા. આ દરમિયાન તસ્લીમની પત્નીએ યાસ્મીનબાનુએ કેમેરા કેમ તોડયા અને મારમારી કેમ કરો છો તેવું પૂછતા આરોપી કેફ અંસારીએ યાસ્મીનબાનુને પેટના ભાગે લાત મારતા તે નીચે જમીન પર પટકાઈ પડયા હતા. બાદમાં આસપાસના અન્ય પાડોશીઓ એકઠા થઈ જતા બંને આરોપી નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે સીસીટીવી કેમેરામા બંને ભાઈઓની કરતુત આવી જાય નહીં તે માટે રસ્તામાં આવતી મોબાઈલ દુકાનના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. પરંતુ તસ્લીમભાઈના ઘરની બહાર લગાવેલા કેટલાક કેમેરામાં બંને ભાઈઓનો આંતક આવી ગયો હતો.

આ મામલે ફરિયાદી તસ્લીમે બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે કેફ ઉર્ફે કેફુ હસરતઉલ્લા અંસારી સરવર હસરતઉલ્લા અંસારી ભાઈઓની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, જેના પરથી લાગી રહ્યું છે કે ગોમતીપુર વિસ્તારમાં આરોપીઓમાં પોલીસનો કોઈ ભય નથી.

  • Follow us on: