અમદાવાદ શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કાળા કારોબાર સામે ઝોન-7 પોલીસે વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. 'નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી' અભિયાન અંતર્ગત મળેલી બાતમીના આધારે પોલીસે બોડકદેવ અને સરખેજ વિસ્તારમાં દરોડા પાડીને ગાંજાના બે અલગ-અલગ કેસ સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને અણધારી સફળતાની સાથે ચોંકાવનારી વિગતો પણ સાંપડી છે.

રાજુ ભીલની પૂછપરછમાં સરખેજના કુખ્યાત નેટવર્કનો પર્દાફાશ

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થલતેજ મલાવ તળાવ છાપરા પાસેથી રાજુ મંગાજી ભીલ નામના 23 વર્ષીય યુવકને જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 131 ગ્રામ 220 મિલીગ્રામ ગાંજો (કિંમત અંદાજે રૂ. 6,561) મળી આવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરવામાં આવતા આ જથ્થો સરખેજમાં રહેતી સુનિતા છારા પાસેથી લાવ્યો હોવાનું ખૂલ્યું હતું, જેના આધારે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો હતો.

Ahmedabad News: Police Seizes Drugs & Rs 53 Lakh Cash in Zone 7 Raid

સરખેજના મકાનમાંથી 2 કિલોથી વધુ ગાંજો અને 53.51 લાખની રોકડ જપ્ત

પોલીસે સરખેજમાં કૈલાશ તળાવ પાસે આવેલી સુનિતા રાઠોડના ઘરે દરોડો પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાંથી 2 કિલો 174 ગ્રામ ગાંજાનો જથ્થો (કિંમત રૂ. 1,08,700) મળવાની સાથેસાથે ઘરમાંથી અકલ્પનીય રીતે રૂ. 53,51,100 ની રોકડ રકમ પણ મળી આવી હતી. ગાંજા અને રોકડ મળીને કુલ રૂ. 54,59,800 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

Ahmedabad News: Police Seizes Drugs & Rs 53 Lakh Cash in Zone 7 Raid

આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ અને આગળની તપાસ

પ્રાથમિક પૂછપરછમાં આરોપી સુનિતા રાઠોડે આ જથ્થો તેનો પતિ દીપક રાઠોડ રાજસ્થાનથી લાવતો હોવાની કબૂલાત કરી છે, હાલ દીપક રાઠોડ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સુનિતા સામે અગાઉ પ્રોહિબિશનના 48 અને તેના પતિ દીપક સામે 25 ગુનાઓ નોંધાયેલા છે. આટલી મોટી રોકડ રકમના સ્ત્રોતની તપાસ માટે હવે ઇન્કમટેક્સ અને ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની મદદ લેવાની દિશામાં પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Ahmedabad News: ઝોન-7 પોલીસનું મોટું કોમ્બિંગ ઓપરેશન, એક જ રાતમાં NDPS ના 4 કેસ નોંધ્યા, 6 આરોપીની ધરપકડ!