અમદાવાદ શહેરમાં યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના નેટવર્ક સામે હવે પોલીસ વિભાગે અત્યંત આક્રમક રણનીતિ અપનાવી છે. 'નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી' અભિયાન અંતર્ગત ઝોન-7 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વાસણા, વેજલપુર અને આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમો તેમજ LCB ઝોન-7 દ્વારા સંયુક્ત રીતે એક જ રાતમાં સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પરિણામે, એક જ રાતમાં NDPS એક્ટ હેઠળ 4 અલગ-અલગ કેસ શોધી કાઢીને મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત કફ સીરપ જપ્ત કરવામાં આવ્યા છે, તેમજ 6 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આનંદનગર અને વેજલપુરમાં કફ સીરપ અને ગાંજાનું કૌભાંડ ઝડપાયું

પોલીસની આ વિશેષ ડ્રાઇવ દરમિયાન વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર સકંજા કસવામાં આવ્યો હતો.

કેસ 1 (આનંદનગર પોલીસ સ્ટેશન)

પોલીસે પાવન ભરતભાઈ સોની અને મહેબુબ ઈબ્રાહીમભાઈ ખલીફાને ઝડપી લીધા છે. તેમની પાસેથી 480 સીલબંધ કફ સીરપની બોટલો, 4 મોબાઈલ ફોન, રોકડ રૂ. 17,600 અને 1 સેન્ટ્રો કાર મળી કુલ રૂ. 7,00,320 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી અન્ય વ્યક્તિના નામે મેડિકલ લાયસન્સ મેળવીને ગેરકાયદે કફ સીરપનું વેચાણ કરતા હતા.

કેસ 2 (વેજલપુર પોલીસ સ્ટેશન)

આરોપી ઇમરાન ઉર્ફે નજીર અહેમદ મંસુરી પાસેથી 69 સીલબંધ કફ સીરપની બોટલ, 1 મોબાઈલ, 1 ઓટો રીક્ષા અને સેન્ટ્રો કાર મળી કુલ રૂ. 1,62,338.50 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

કેસ 3 અને 4 (વેજલપુર અને વાસણા પોલીસ સ્ટેશન)

વેજલપુર પોલીસે ફતેવાડી કેનાલ પાસેથી મહેરાબખાન ઉર્ફે મેહતાબ ખાન પઠાણ પાસેથી 427 ગ્રામ ગાંજો (કિંમત રૂ. 21,350) તથા વાસણા પોલીસે ઈર્શાદઅલી ઉર્ફે શાહરૂખ અસ્મતઅલી સૈયદ પાસેથી 97 ગ્રામ ગેરકાયદે ગાંજો અને રોકડ મળી કુલ રૂ. 7,507 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Ahmedabad News: Police Zone 7 Busts Drug Racket: 6 Arrested

31મી ડિસેમ્બર અગાઉ ઝીરો ટોલરન્સ નીતિ અને કડક કાર્યવાહી

આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી અગાઉ શહેરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ફેલાવાને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણપણે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. અન્ય એજન્સીઓની કડક કાર્યવાહી બાદ અમદાવાદ પોલીસ સફાળી જાગી છે અને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને તેઓ આ નશીલો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કોને વેચતા હતા તે અંગેનું નેટવર્ક તોડવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો: Ahmedabad News: દિલજીતના કોન્સર્ટમાં ક્રિકેટના મેદાનમાં ચાહકોને મળશે પ્રવેશ,જાણો કયા પાસનો કેટલો છે ભાવ