અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં એન્ટી કરપ્શન બ્યુરોએ કડક કાર્યવાહી કરીને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના એક લોકરક્ષક કર્મચારીને 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે.વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા લોકરક્ષક મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઈ મહાવીરસિંહ ચુડાસમા દ્વારા એક જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી.આક્ષેપિત પોલીસ કર્મચારીએ રજૂઆત કરી હતી કે નાગરિક પોતાના કાકાના દીકરા સાથે મળીને દેશી દારૂનો વેપાર કરે છે અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂ ભરેલું એક્ટિવા લઈને પસાર થાય છે.
એ.સી.બી.ટીમ દ્વારા આજે એક છટકું ગોઠવવામાં આવ્યું
આ વિસ્તારમાંથી પસાર થવા દેવાના બદલામાં આક્ષેપિત લોકરક્ષકે પોતાના તથા સાથેના અન્ય બે પોલીસ કર્મચારીઓના માસિક હપ્તા પેટે રૂ.4 હજાર લેખે કુલ રૂ. 12 હજારની લાંચની માંગણી કરી હતી.જે પૈકી રૂ.6 હજાર આક્ષેપિતે અગાઉ મેળવી લીધા હતા અને બાકીના રૂ.6 હજાર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ફરિયાદી નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ એ.સી.બી.પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આણંદ એ.સી.બી.ટીમ દ્વારા આજે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.
