અમદાવાદના વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને નિશાન બનાવીને લાચારીનો ડોળ કરી ઠગાઈ આચરતી એક કુખ્યાત ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ટ્રેનની રાહ જોઈ રહેલા ભોળા મુસાફરોને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લેતા દિલ્હીના બે આરોપીઓને કાલુપુર પોલીસે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
શું હતી આખી ઘટના અને મોડસ ઓપરેન્ડી?
મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિકનું કામ કરતા જયપ્રકાશ તિવારી અમદાવાદ કામ અર્થે આવ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ 7 સપ્ટેમ્બરના રોજ તેઓ મહારાષ્ટ્ર પરત જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેનની રાહ જોઈ રહેલા જયપ્રકાશ પાસે એક શખ્સ આવ્યો અને પોતાની ઓળખ રાજેશ યાદવ તરીકે આપી. તેણે પોતે જ્યાં કામ કરતો હતો તે શેઠે માર માર્યો હોવાનું અને પગાર પણ નહીં આપ્યો હોવાનું કહી લાચારીની કહાની સંભળાવી.
ત્યારબાદ શખ્સે પોતાની પાસે બે લાખ રૂપિયા હોવાનું કહી ચલણી નોટોના બંડલ બતાવ્યા, પરંતુ ચા-પાણીના પણ રૂપિયા ન હોવાનું કહેતા જયપ્રકાશને દયા આવી અને તેમણે ચા પીવડાવવાની વાત કરી. એટલામાં બીજો શખ્સ પણ ત્યાં આવી ગયો. બંને આરોપીઓ જયપ્રકાશને ચા પીવા માટે લઈ ગયા. ચા પીધા બાદ જયપ્રકાશનું માથું ભારે થવા લાગ્યું હોવાની ફરિયાદ છે. આ તકનો લાભ લઈ બંને આરોપીઓએ તેમની સોનાની ચેઇન, મોબાઇલ અને 77 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા અને ત્યાંથી ફરાર થઈ ગયા.
દિલ્હીના બે આરોપીઓની ધરપકડ અને ભૂતકાળ
ગાઈનો ભોગ બન્યાની જાણ થતાં જયપ્રકાશે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી CCTV અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે દિલ્હીના બે આરોપીઓ સુધી પહોંચી ગઈ. પોલીસે તનવીર અંસારી અને સંજય શર્માની ધરપકડ કરી છે. તનવીર પાસેથી બે મોબાઇલ અને એક લાખ રૂપિયા રોકડા, જ્યારે સંજય પાસેથી 4,800 રૂપિયા મળી આવ્યા છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ અગાઉ દિલ્હીમાં ખીસ્સા કાપવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

ઓનલાઈન ગેમિંગની લત અને પોલીસ તપાસ
સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ બંને આરોપીઓ ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢેલા હતા અને જુગાર કે ગેમિંગમાં થતા નુકસાનની ભરપાઈ કરવા તથા પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે આ પ્રકારના ગુનાઓ આચરતા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. રેલવે સ્ટેશન પર લાચાર દેખાતા મુસાફરોને ટાર્ગેટ કરવા પોતાની પાસે મોટી રકમ હોવાનું કહી બનાવટી નોટોના બંડલ બતાવવા.
વિશ્વાસમાં લેવા અને બાદમાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ફરાર થઈ જવું. પોલીસ તપાસમાં બંને આરોપીઓ ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢ્યા બાદ પૈસાની જરૂરિયાત પૂરી કરવા ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ બંને આરોપીઓએ આ જ મોડસ ઓપરેન્ડીથી અન્ય કેટલા મુસાફરોને નિશાન બનાવ્યા છે અને તેમની પાછળ વધુ કોઈ ગેંગ કામ કરે છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad News: બર્ગર ખાતા પહેલા સાવધાન! બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળી ઈયળ, Video