અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરી પર અંકુશ મેળવવા માટે એક વિશેષ પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત પોલીસની જુદી જુદી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને બુટલેગરો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ આક્રમક કામગીરીના કારણે અસામાજિક તત્વો અને ગેરકાયદે રીતે દારૂનો વેપાર કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
2 દિવસમાં 215 કેસ નોંધાયા, 244 આરોપીઓ સામે કાયદેસરનાં પગલાં
પોલીસ તંત્ર દ્વારા તારીખ 18 અને 19 ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં કુલ 215 જેટલા પ્રોહિબિશનના કેસ ચોપડે નોંધાયા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કુલ 244 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન ભારતીય બનાવીના બનાવટી વિદેશી દારૂ અને બીયરના કુલ 47 મોટા કેસો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.

વિદેશી દારૂની 10,885 બોટલો સાથે 77.87 લાખનો મુદ્દામાલ સીઝ
વિદેશી દારૂના કાસામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વિદેશી દારૂ તથા બીયરની કુલ 10,885 બોટલો કબ્જે કરી છે. દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ 77.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી દારૂના 168 કેસો શોધી કાઢીને 1,941 લીટર દારૂ કબ્જે કરાયો છે, જેમાં 4.26 લાખનો મુદ્દામાલ પોલીસના હસ્તગત થયો છે.

સોલા, સાબરમતી અને નરોડા પોલીસ સ્ટેશનનો મોટો સપાટો
અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સોલા પોલીસે 2,762 બોટલ દારૂ અને બીયર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાબરમતી પોલીસે 1,740 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. જ્યારે સૌથી મોટી કાર્યવાહી નરોડા પોલીસે કરી હતી, જ્યાં આયશર ટ્રક સહિત 3,840 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 24.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આવનારી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
આ પણ વાંચો - Ahmedabad News: ધોલેરા પોલીસે મીંગલપુરની સીમમાંથી શંકાસ્પદ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 3 શખ્સો સામે ગુનો નોંધાયો