અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સાયબર ક્રાઈમને પ્રોત્સાહન આપતા પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડના કૌભાંડ સામે કાગડાપીઠ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ વેચતા 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ઉત્તરાખંડના હરિદ્વારથી અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડનો જથ્થો લાવીને અહીં તેનું ગેરકાયદે વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.

108 પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ સહિત રૂ. 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 108 નંગ પ્રી-એક્ટિવેટેડ સિમકાર્ડ જપ્ત કર્યા છે. આ સિમકાર્ડ ઉપરાંત પોલીસે અન્ય સામગ્રી અને રોકડ રકમ મળીને કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ઉત્તરાખંડના વતની હોવાનું સામે આવ્યું છે, જેઓ નેટવર્ક બનાવીને ગુજરાતમાં આ સિમકાર્ડ સપ્લાય કરી રહ્યા હતા.

સાયબર ગુનામાં ઉપયોગ થવાની શંકા

ગેરકાયદેસર રીતે એક્ટિવેટ કરાયેલા આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં થવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. કાગડાપીઠ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓ અમદાવાદમાં કોને કોને આ સિમકાર્ડ વેચવાના હતા અને ઉત્તરાખંડમાં કોની મદદથી બોગસ દસ્તાવેજો પર આ સિમકાર્ડ એક્ટિવેટ કરાવ્યા હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : વોશિંગ્ટન DCમાં CMની વર્લ્ડ બેંક સાથે બેઠક, GIFT Cityને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ તરીકે રજૂ કરાયું