અમદાવાદ શહેરમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને સપ્લાય નેટવર્ક પર રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરીને સફળતા મેળવી છે. રામોલ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે CTM એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે હથિયાર સપ્લાય કરવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
રૂ. 61,600નો મુદ્દામાલ અને હથિયારો કબજે
પોલીસ ટીમે આરોપીની ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો, કારતૂસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 61,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી 28 વર્ષીય ઝાકીરબેગ મીરઝા તરીકે થઈ છે.
કમિશન પેટે હથિયાર પહોંચાડવાનું નક્કી થયું હતું
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ હથિયારો મહારાષ્ટ્રના ઉબેત અંસારી પાસેથી મેળવવામાં આવ્યા હતા અને તેને ભુજના સાજીદ નોડે નામના શખ્સને પહોંચાડવાના હતા. હથિયારની આ ડિલિવરી પૂરી કરવા માટે આરોપી ઝાકીરબેગને રૂ. 3,000નું કમિશન અને આવવા-જવાનો તમામ ખર્ચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ
આ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ નેટવર્કમાં સામેલ અન્ય બે આરોપીઓ ઉબેત અંસારી અને સાજીદ નોડેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગેરકાયદે હથિયારો ઘૂસાડવાના આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે, તે દિશામાં રામોલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, ગુજરાત માટે ચિંતા ટળી પણ શિયાળાની એન્ટ્રી ઝડપી બનશે