અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ નજીક આવેલી એક સોસાયટીની મહિલાઓને હેરાન કરવા,છેડતી કરવા તથા અશ્લીલ મેસેજ મોકલવા બદલ બિલ્ડર તેજસ પટેલ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.સોસાયટીના રીડેવલપમેન્ટના કામમાં ઊભેલા વિવાદ અને સોસાયટીના નીતિ-નિયમોના પાલન અંગેની બાબતોને લઈ બિલ્ડર દ્વારા સોસાયટીની મહિલાઓને સતત ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

મહિલાઓને લક્ષ્ય બનાવી હેરાનગતિ શરૂ કરી

મળતી વિગતો અનુસાર,સુભાષબ્રિજ પાસે આવેલી સોસાયટીના રીડેવલપમેન્ટનું કામ અગાઉ બિલ્ડર તેજસ પટેલને સોંપવામાં આવ્યું હતું.જોકે સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન ન થતાં સભ્યોએ બિલ્ડરને આ કામ ન આપવાનો અને કરાર રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.આ નિર્ણયથી નારાજ થયેલા બિલ્ડરે સોસાયટીની મહિલાઓને લક્ષ્ય બનાવી હેરાનગતિ શરૂ કરી હતી.મહિલાઓ બજારમાં ખરીદી અર્થે કે અન્ય કામકાજ માટે બહાર જાય ત્યારે તેજસ પટેલ તેમનો પીછો કરતો, રસ્તામાં રોકીને અટકચાળા કરતો અને ગાળો બોલીને ધમકીઓ આપતો હતો.

સોસાયટીની મહિલાઓને ડરાવતો હતો

ઘટનાની ગંભીરતા દર્શાવતા એક બનાવ મુજબ 16 મેના રોજ બિલ્ડર પોતાની કાર લઈને સોસાયટી પરિસરમાં ધસી આવ્યો હતો.તે સમયે સોસાયટીની બહાર મૂકેલા બાંકડા પર કેટલીક મહિલાઓ બેઠી હતી.બિલ્ડરે મહિલાઓને ડરાવવાના ઇરાદાથી પોતાની કાર સીધી બાંકડા નજીક લાવીને અથડાવી હતી.મહિલાઓ ભયના માર્યા ત્યાંથી ખસી જતાં મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ મહિલાઓ ત્યાંથી હટી ગયા બાદ પણ બિલ્ડરે તેમને જાહેરમાં ગાળો બોલીને ભારે હેરાન પરેશાન કરી હતી. સોસાયટીના આંતરિક પ્રશ્નો અને નિર્ણય અંગે બિલ્ડરે મહિલાઓને પરિણામ ભોગવવાની ધમકીઓ પણ આપી હતી.

પોલીસે બિલ્ડર સામે ફરિયાદ નોંધી

બિલ્ડરે છેલ્લા છ મહિનાથી વોટ્સએપ ગ્રુપ બનાવીને સોસાયટીના તમામ સભ્યોને તેમાં જોડ્યા હતા.આ ગ્રુપનો ઉપયોગ તે સોસાયટીના લોકોને માનસિક ત્રાસ આપવા માટે કરતો હતો.ફરિયાદમાં જણાવ્યા અનુસાર,બિલ્ડર તેજસ પટેલ આ વોટ્સએપ ગ્રુપમાં મહિલાઓ અને સોસાયટીના સભ્યો માટે અત્યંત અભદ્ર ભાષામાં કોમેન્ટ્સ લખતો હતો અને અશ્લીલ વીડિયો તેમજ મેસેજ પોસ્ટ કરતો હતો.બિલ્ડરના સતત વધતા જતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ હિંમત દાખવી રાણીપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. મહિલાઓની લેખિત રજૂઆત અને પુરાવાઓના આધારે રાણીપ પોલીસે બિલ્ડર તેજસ પટેલ વિરુદ્ધ છેડતી,પીછો કરવો,અશ્લીલ મેસેજ મોકલવા તથા ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?