સાયબર ક્રાઈમ અને ઠગાઈ આચરતી ગેંગ હવે શિક્ષિત અને વરિષ્ઠ નાગરિકોને લક્ષ્ય બનાવી રહી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત મહિલા પ્રોફેસર ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે આચરવામાં આવેલી એક મોટી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શાતિર સાયબર માફિયાઓએ સંચાલિત સરકારી એજન્સીઓના ખોટા નામે ડરાવી ધમકાવીને મહિલા પાસેથી 54.60 લાખની માતબર રકમ પડાવી લીધી છે.
ગઠિયાઓએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા
મળતી વિગતો અનુસાર, ગઠિયાઓએ પીડિત મહિલા પ્રોફેસરનો સંપર્ક કરીને પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે મહિલાને જણાવાયું હતું કે તેમના નામે મુંબઈથી ખરીદવામાં આવેલા એક સિમકાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે અને તેના સંદર્ભે મુંબઈમાં ૨૫ જેટલી FIR નોંધાયેલી છે. મહિલાને ગંભીર કાનૂની કાર્યવાહી અને જેલ જવાનો ભય બતાવીને ગઠિયાઓએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા હતા.
ગઠિયાએ રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી
ઠગબાજોએ મહિલાને સતત 19 દિવસ સુધી ફોન કૉલ્સ અને વોટ્સએપ વીડિયો કૉલ મારફતે પોતાની નજર હેઠળ એટલે કે ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યા હતા. આ દરમિયાન તેમને કોઈની સાથે વાત ન કરવા અને ઘરની બહાર ન નીકળવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાને આ કેસમાંથી મુક્ત કરાવવાના અને તપાસના બહાને જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે 19 દિવસ દરમિયાન ગઠિયાઓએ ટુકડે-ટુકડે કુલ રૂ. 54.60 લાખ રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ પણ ધમકીઓ ચાલુ રહેતાં મહિલાને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે તુરંત પરિજનોને જાણ કરી બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બોપલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદ વડે નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેના ડેટા અને કોલ ડિટેલ્સ આધારે આંતરરાજ્ય સાયબર ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?