અમદાવાદ શહેરમાં નાણાકીય ગેરરીતિ અને કરચોરીને લગતો એક મોટો મામલો સામે આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસના આધારે અંદાજે રૂ. 519 કરોડના કથિત બોગસ રાજકીય ડોનેશન કૌભાંડ મામલે સત્તાવાર રીતે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. આ ગંભીર પ્રકરણમાં અમદાવાદ CID ક્રાઈમે ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે, જેના કારણે રાજકીય અને નાણાકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત ચાર શખ્સો સામે ફરિયાદ
આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુક્તેંદ્ર શતીશ કુમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કુલ 4 પક્ષકારોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી', પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સામેલ છે. આ તમામ પર બોગસ ડોનેશનના આધારે મોટાપાયે નાણાકીય હેરાફેરી કરવાનો આરોપ છે.
કમિશન કાપીને રોકડ પરત આપવાનું ચાલતું હતું રેકેટ
ફરિયાદમાં કરાયેલા ગંભીર ખુલાસા મુજબ, કરદાતાઓ પાસેથી રાજકીય ડોનેશન મેળવ્યા હોવાનું બતાવી આ રકમ અન્ય પેઢીઓના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમાંથી જરૂરી કમિશન કાપીને બાકીના નાણાં રોકડ સ્વરૂપમાં પરત આપી દેવામાં આવતા હતા. આ સમગ્ર પ્રક્રિયા પાર પાડવા માટે અસંખ્ય બોગસ બિલો અને ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ચૂંટણી પંચમાં ખોટા રિપોર્ટ્સ રજૂ કરી સરકારી તિજોરીને નુકસાન
આ કૌભાંડને અંજામ આપવા માટે ચૂંટણી પંચ સમક્ષ ખોટો કન્ટ્રીબ્યુશન રિપોર્ટ એટલે કે ફોર્મ 24A રજૂ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન પાર્ટીના બેંક ખાતાઓમાં કુલ રૂ. 519 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે પ્રક્રિયાના કારણે સરકારી તિજોરીને આશરે રૂ. 155 કરોડનું અધધ નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabadમાં ડિજિટલ અરેસ્ટ જેવી ઠગાઈ, PM આવાસ યોજનાની APK ફાઇલ મોકલી વૃદ્ધ સાથે 20 લાખથી વધુની છેતરપિંડી!