અમદાવાદના સૌથી પોશ ગણાતા બોપલ અને શીલજ વિસ્તારમાં પોલીસ તંત્રના ભ્રષ્ટાચારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સત્તાવાર રીતે લાઈવ સામે આવ્યો છે. સામાન્ય નાગરિકોને કાયદાનો ડર બતાવી તેમની પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતા બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી અને તેમના ખાસ વહીવટદાર ગણાતા એએચસી દિલીપકુમાર ભોઈ હવે સીધા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ના સિકંજામાં આવી ગયા છે.
સમગ્ર ઘટનાની મોડસ ઓપરેન્ડી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદી સામે કોઈ કેસ ચાલતો હતો અથવા ગુનો દાખલ થવાની ભીતિ હતી. આ બાબતનો ફાયદો ઉઠાવી પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી અને કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ ફરિયાદીને ડરાવીને કેસ રફેદફે કરવા માટે 10 લાખની તોતિંગ લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી બંને પક્ષો વચ્ચે ભારે રકઝક થઈ હતી અને અંતે ₹૫ લાખમાં સેટિંગ થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક સમગ્ર મામલે ખેડા એસીબીનો સંપર્ક સાધી લાઈવ ફરિયાદ નોંધાવી હતી.
પીએસઆઈએ મંજૂરી આપી અને એસીબી ત્રાટકી
બાતમી અને પ્લાનિંગ મુજબ, ખેડા એસીબીની ટીમે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના શીલજ બીટ ખાતે આવેલી સાયબર ક્રાઇમની ઓફિસમાં લાઈવ ટ્રેપનું આયોજન કર્યું હતું. ફરિયાદી જ્યારે ₹૫ લાખ રોકડા લઈને પહોંચ્યો ત્યારે કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ લાંચની રકમ સ્વીકારી લીધી હતી. લાંચ લીધા બાદ તરત જ ભોઈએ પોતાના મોબાઈલના સ્પીકર પર મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સાથે લાઈવ વાત કરીને જણાવ્યું હતું કે 'સાહેબ, ૫ લાખ મળી ગયા છે'. પીએસઆઈએ ફોન પર આ વાત સ્વીકારતા જ ઓથોરિટી અને એસીબીના અધિકારીઓએ ધડાધડ દરોડો પાડી કોન્સ્ટેબલને રંગેહાથ દબોચી લીધો હતો અને 5 લાખ રિકવર કર્યા હતા.જો કે, ટ્રેપ સમયે મુખ્ય સૂત્રધાર મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સ્થળ પર હાજર મળ્યા નહતા. એસીબીએ ઓન-રેકોર્ડ બંને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ અને પીએસઆઈને પકડવા માટે લાઈવ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ પણ વાંચો: Venezuelaમાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી