અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઊભા થયેલા વિવાદમાં હવે શાળા મેનેજમેન્ટ પોતાની નૈતિકતા અને માનવતાના તમામ સીમાડાઓ વટાવી ગયું છે. એક તરફ, એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે અને બીજી તરફ, વાલીઓને ન્યાય માંગતા અટકાવવા માટે શાળાએ ધમકીભર્યો પત્ર લખીને શિક્ષણના પવિત્ર માહોલને લાંછન લગાડ્યું છે. આ પત્રમાં સ્પષ્ટપણે ધમકી અપાઈ છે કે જો કોઈ વાલી આ મામલે વિરોધ કરશે કે તપાસમાં જોડાશે, તો તેમના બાળકને શાળામાંથી રસ્ટિગેટ કરી દેવામાં આવશે. આ કૃત્ય માત્ર અમાનવીય જ નહીં, પણ સત્તાના ઘમંડનું પ્રતીક છે.
ઝીરો ટોલરન્સનો બચાવ કે લૂલો બહાનો?
આ પત્રમાં શાળાએ પોતાની બેદરકારી છુપાવવા માટે અનેક લૂલા બચાવ કર્યા છે. શાળાનો દાવો છે કે, ઘટના શાળાની બહાર બની હતી અને તેમણે વિદ્યાર્થી નયનને પૂરતી મદદ કરી હતી. પરંતુ, આ પત્રનો મુખ્ય ઉદ્દેશ પોતાના કૃત્ય પર પડદો પાડી વાલીઓને ચૂપ કરાવવાનો છે. ‘ઝીરો ટોલરન્સ પોલિસી’નું બહાનું આપીને શાળાએ વાસ્તવમાં પોતાની ભૂલો પ્રત્યેની પોતાની ઝીરો-ટોલરન્સની નીતિ પ્રદર્શિત કરી છે. શાળાનો આ પત્ર દર્શાવે છે કે તેમના માટે બાળકોની સુરક્ષા કરતાં તેમની પોતાની પ્રતિષ્ઠા વધુ મહત્ત્વની છે. આ એક એવો ગુનો છે જે કાયદાકીય નહીં પણ નૈતિક દૃષ્ટિએ માફ કરવા યોગ્ય નથી.
DEO નું આશ્વાસન અને આકરા પગલાંની અપેક્ષા
શાળાના આ ધૃણાસ્પદ કૃત્ય બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને દરમિયાનગીરી કરવી પડી. DEO એ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગભરાવું નહીં તેવું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, પત્ર કેમ લખવામાં આવ્યો તેનો શાળા પાસે તાત્કાલિક ખુલાસો મગાશે અને જરૂર પડ્યે કડક કાર્યવાહી કરવામાં આવશે. DEO નું આ નિવેદન રાહતરૂપ છે, પરંતુ વાલીઓ અને જનતાની અપેક્ષા છે કે આ માત્ર નિવેદન નહીં પણ નક્કર પગલાં હોય. આ સમયે ફક્ત નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, આ શાળાની માન્યતા રદ કરવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. આ ઘટના અન્ય શાળાઓ માટે પણ એક ચેતવણીરૂપ દાખલો બનવી જોઈએ.