અમદાવાદમાં થોડા દિવસના વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ખાસ કરીને તાજેતરમાં જ બનેલા રોડ પણ ઊબડખાબડ થઈ ગયા છે, જેની સીધી અસર વાહનચાલકો અને રાહદારીઓ પર પડી રહી છે. બાપુનગર અનિલસ્ટાર્ચ મિલ રોડ તેનું જીવંત ઉદાહરણ છે. અહીં રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ દરમિયાન આ ખાડા પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે તેમની ઊંડાઈનો અંદાજ આવતો નથી અને અકસ્માતનો ભય વધી જાય છે.
તંત્રની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ
ખરાબ રોડ-રસ્તાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓને આ અંગે રજૂઆતો કરી છે, પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, "અમે ઘણી રજૂઆતો કરી, પણ કોઈ સાંભળતું નથી. ચાલુ વરસાદે મહામુસીબતે પસાર થવું પડે છે." આ સમસ્યાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ ન થવાથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
સ્ટ્રીટલાઈટના અભાવથી જોખમ વધ્યું
બાપુનગર અનિલસ્ટાર્ચ મિલ રોડ પરની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે અહીં રાત્રે સ્ટ્રીટલાઈટ પણ બંધ રહે છે. એક સ્થાનિક નાગરિકે કહ્યું, "રાત્રે ઘણી વખત અહીંયા સ્ટ્રીટલાઈટ બંધ હોય છે. ખાડા દેખાતા નથી અને અકસ્માત થાય છે." અંધારામાં ખાડા અને ઊબડખાબડ રસ્તાઓ દેખાતા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ પરિસ્થિતિમાં, તંત્ર દ્વારા સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે અને સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે જેથી નાગરિકોની સલામતી જળવાઈ રહે.