અમદાવાદ શહેરમાં શેર બજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ થયો છે. આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે આ મામલે સપાટો બોલાવીને ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામી નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ લોકોની મહેનતની કમાણી હડપ કરવા માટે આખું નેટવર્ક ગોઠવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બે વર્ષમાં રૂપિયા ત્રણ ગણા અને માસિક 2 થી 2.5 ટકા વળતરની લાલચ
આરોપીઓએ 'ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીના નામે રોકાણકારોને આકર્ષ્યા હતા. રોકાણકારોને એવી લોભામણી લાલચ આપવામાં આવતી કે માત્ર બે વર્ષમાં જ તેમના રોકાણના નાણાં ત્રણ ગણા કરી આપવામાં આવશે અને દર મહિને 2 થી 2.5 ટકા જેટલું ઊંચું વળતર મળશે. આ ફાંદમાં ફસાઈને અંદાજે 100 જેટલા રોકાણકારોએ કુલ રૂ. 1.27 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. આ મામલે EOW માં વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી.

235 બેન્ક એકાઉન્ટ અને 6 કંપનીઓ ઊભી કરી આચર્યું કૌભાંડ
પકડાયેલા આરોપીઓ પૈકી ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામી મિત્રો છે. આ નાણાકીય ગોપનીયતા જાળવવા અને ઠગાઈના નાણાં ફેરવવા માટે આરોપીઓએ 6 અલગ-અલગ શંકાસ્પદ કંપનીઓ ઊભી કરી હતી અને કુલ 235 જેટલા બેન્ક એકાઉન્ટનો દુરૂપયોગ કર્યો હતો. આરોપી અલ્કેશપુરી મૂળ સુરેન્દ્રનગરનો છે અને આસામ તરફ એરફોર્સમાં નોકરી કરતો હતો, જ્યારે ભાર્ગવ પંડ્યાએ MA સુધી અભ્યાસ કર્યો છે અને તે ઇન્વેસ્ટમેન્ટ ફાર્મ સાથે સંકળાયેલો હતો. તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, ભાર્ગવ પંડ્યા સટ્ટાબાજીમાં અંદાજે 8 કરોડ રૂપિયા હારી ગયો હતો અને મોજશોખ પૂરા કરવા માટે આ છેતરપિંડી શરૂ કરી હતી. આ અગાઉ અડાલજમાં પણ 3 કરોડની ઠગાઈ અંગે તેમની સામે ગુનો નોંધાયેલો છે.

અન્ય આરોપીઓની સંડોવણી અને પોલીસ તપાસ
આ કેસમાં અગાઉ 9 ઓક્ટોબરના રોજ એરફોર્સમાં ચિલોડા ખાતે એકાઉન્ટ વિભાગમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા ધર્મેશ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર કૌભાંડનો અન્ય એક મુખ્ય આરોપી વિરાટ પરમાર હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. વર્ષ 2025થી આ ફ્રોડ કંપની બંધ કરી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ EOW ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાણાકીય વ્યવહારો ક્યાં-ક્યાં થયા અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad News: બગોદરામાં પ્રતિબંધિત કફ સિરપની 600 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો