અમદાવાદ શહેરના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.થલતેજ વિસ્તારમાં આવેલા ઝાયડસ હોસ્પિટલ રોડ પરના નારાયણ બંગલોની બહાર એક માથાભારે યુવકે ભારે ઉત્પાત મચાવ્યો હતો.આ યુવકે જાહેરમાં રોડ પર આવેલા વીજ પોલ પરના મીટરમાં ભારે તોડફોડ કરી હતી જેના કારણે વીજ મીટરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
વીજ મીટરોને નિશાન બનાવીને તોડફોડ કરી
પ્રાપ્ત વિગતો અનુસાર,આકાશ ઠાકોર નામનો યુવક પોતાની થાર ગાડી લઈને બપોરના સુમારે થલતેજ વિસ્તારમાં પહોંચ્યો હતો.અહીં તેણે કોઈ પણ જાતના કારણ વગર જાહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.આકાશ ઠાકોરે રોડની બાજુમાં આવેલા વીજ પોલ પરના વીજ મીટરોને નિશાન બનાવીને તેમાં ભારે તોડફોડ કરી હતી.તેના કારણે શોર્ટ સર્કિટ થઈ હોવાને લીધે વીજ મીટરમાં આગ ભભૂકી ઉઠી હતી.બપોરના સમયે જાહેરમાં બનેલી આ ઘટનાને કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક રહીશોમાં ડર ફેલાઈ ગયો હતો. આ યુવકે પોતાની થાર ગાડી પૂરઝડપે હંકારીને સામેથી આવી રહેલા એક ટ્રક ચાલકને પણ અકારણ રોકીને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી હતી.
સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આ સમગ્ર ઘટનાક્રમના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં આકાશ ઠાકોરની ખુલ્લેઆમ દાદાગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ,આ યુવક છેલ્લા બે મહિનાથી આ જ પ્રકારે વિસ્તારમાં સતત કનડગત કરતો હતો અને લોકોને પરેશાન કરી રહ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.સમગ્ર મામલે AMC અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી આકાશ ઠાકોર હાલમાં બ્રેઈન ટ્યુમર જેવી ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે અને તેનાથી પરેશાન છે.આ બીમારી અથવા માનસિક પરિસ્થિતિના કારણે તેણે આ પ્રકારનું આતંકવાદી અને બેજવાબદાર વર્તન કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પોલીસે ધરકપડ કરી
થાર ગાડી રોકીને વીજ પોલ પર દંડા મારી તોડફોડ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ બોડકદેવ પોલીસે કડક કાર્યવાહી કરીને નારાયણા ૧૧ બંગલોઝમાં રહેતા આકાશ ઠાકોર નામના યુવકની અટકાયત કરી લીધી છે અને તેની થાર ગાડી પણ જપ્ત કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે, જેણે આસપાસના રહેણાંક વિસ્તારમાં અગાઉ આતંક મચાવીને ભારે તોડફોડ કરી હતી.
આ પણ વાંચોઃ Surat: ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપી લીધા, ઇ-સ્કૂટર અને વજન કાંટો જપ્ત!