અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.સુરધારા સર્કલ પાસે આવેલી મણીકમલ સોસાયટીમાં હાઈ-પ્રોફાઇલ તસ્કરોએ એક બંગલાને ટાર્ગેટ કર્યો હતો.આ તસ્કરો સામાન્ય ચોરોની જેમ નહીં પરંતુ લક્ઝુરિયસ ઈનોવા ગાડીમાં સવાર થઈને લૂંટના ઈરાદે આવ્યા હતા.સોસાયટીના રહેવાસીઓની સમયસૂચકતાના કારણે તસ્કરોના આ નાપાક ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું.

ઈનોવા ગાડીમાં આવ્યા હતા પાંચથી વધુ તસ્કરો

પ્રાપ્ત વિગતો અનુસાર,વસ્ત્રાપુરના સુરધારા સર્કલ નજીક આવેલી પ્રતિષ્ઠિત મણીકમલ સોસાયટીમાં રાત્રિના સુમારે એક સફેદ રંગની ઈનોવા ગાડી આવી હતી. આ ગાડીમાં પાંચથી વધુ હાઈ પ્રોફાઇલ તસ્કરો સવાર હતા.જેઓ અગાઉથી જ કોઈ મોટી ચોરી કે લૂંટને અંજામ આપવાની પૂરી તૈયારી સાથે આવ્યા હતા.તસ્કરોએ સોસાયટીના એક બંધ બંગલાને મુખ્ય ટાર્ગેટ બનાવ્યો હતો.બંગલાના દરવાજા અને આસપાસ રેકી કરીને તેઓએ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંગલો સંપૂર્ણપણે લોક હોવાના કારણે તેમનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

સિનિયર સિટીઝન જાગી જતાં તસ્કરોમાં ભાગદોડ

બંગલાની અંદર પ્રવેશવા માટે તસ્કરો દ્વારા તોડફોડ કે ચેડાં કરવામાં આવતા ઘરમાં અવાજ થયો હતો.આ અવાજને કારણે બંગલામાં રહેતા સિનિયર સિટીઝન જાગી ગયા હતા અને તેમણે તાત્કાલિક ઘરમાં સતર્કતા દાખવીને બૂમાબૂમ કરી મૂકી હતી.વૃદ્ધ નાગરિક જાગી જતા અને સોસાયટીમાં હલચલ થતાં તસ્કરો ગભરાઈ ગયા હતા.પોતાની ચોરી પકડાઈ જવાનો ડર ઊભો થતાં તસ્કરો ત્યાંથી પોતાની ઈનોવા ગાડી લઈને પલાયન થઈ ગયા હતા.લૂંટના હેતુ માટે સાથે લાવેલો શંકાસ્પદ સામાન ઘટનાસ્થળે જ છોડી ગયા હતા.પોલીસે તપાસ કરતા સ્થળ પરથી ચોરીના સાધનો મળી આવ્યા હતા.વસ્ત્રાપુર પોલીસે સોસાયટી અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે.ઈનોવા ગાડીના નંબર અને રૂટના આધારે આ હાઈ-પ્રોફાઇલ તસ્કરોની ગેંગને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

આ પણ વાંચોઃ Gujarat Weather News : રાજ્યમાં ચોમાસાની વિદાય ટાણે ગરમીમાં વધારો, જાણો ક્યાં સુધી વરસાદની શકયતાઓ છે?