ગુજરાતમાં દારૂબંધીના છેડેચોક ધજાગરા ઉડી રહ્યાં છે. દારૂના નશામાં ડ્રાઈવિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ ના જ કર્મચારી હવે દારૂના નશામાં કાર ચલાવતા ઝડપાયા છે. અમદાવાદ શહેરમાં M ડિવિઝનના ટ્રાફિક PSI દારૂના નશામાં કાર હંકારતા હોવાનો આરોપ છે. તેમણે નશામાં ડ્રાઈવિંગ કરતા કાર ઉકરડામાં ઘૂસી ગઈ હતી. સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને પોલીસને જાણ કરતાં પોલીસે તેમની યુનિફોર્મ સહિત અટકાયત કરી છે.
PSI ભરત પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો
અમદાવાદમાં M ડિવિઝન ટ્રાફિકના PSI ભરત પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે.વાયરલ વીડિયોમાં PSI ભરત પંડ્યા નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે નશાની હાલતમાં કાર હંકારતા તેમની કાર ઉકરડામાં ઘૂસી ગઈ હતી. નશામાં ડ્રાઈવિંગ કરતાં તેઓ રાહદારીઓને અડફેટે લેતાં માંડ માંડ બચ્યા હતાં. તેમણે સ્થાનિકોને બિભત્સ ગાળો બોલીને ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ વીડિયો બનાવી પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત 112 મારફતે સાબરમતી પોલીસને જાણ કરાઈ હતી.
કારમાંથી દારૂની 6થી 8 જેટલી બોટલો મળી આવી
પોલીસે તેમની કારની તપાસ કરતાં કારમાંથી દારૂની 6થી 8 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન યુનિફોર્મ સહિત પીએસઆઈ ભરત પંડ્યાની અટકાયત કરી હતી. આ સમગ્ર બાબત વાયુવેગે વાયરલ થઈ જતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ છે કે, દારૂબંધી વાળા ગુજરાતમાં ખુદ પોલીસ કર્મચારી જ દારુ પીને ગાડી હંકારે છે તેને શું સજા થશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝૂંબેશ ચલાવતી પોલીસ જ આખરે દારૂના નશામાં પકડાય છે.
પીએસઆઈને મેડિકલ તપાસ માટે ખસેડવામાં આવ્યા
ત્રાગડ રબારી વાસના નાકે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ભરત પંડ્યાએ નશાની હાલતમાં કાર અકસ્માત સર્જ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.આ ઘટના અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપી પીએસઆઈને મેડિકલ તપાસ માટે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gandhinagar News: મહેસુલી કર્મચારીઓ આજે માસ સીએએલ પર, કાલથી અચોક્કસ મુદતની હડતાળ









