રાજ્યના મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આજથી માસ સીએલ પર ઉતરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.જેના પગલે સરકારે આ આંદોલનને ખાળવા માટે કડક ચેતવણી પણ ઉચ્ચારી છે.મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ કર્મચારીની રજા મંજૂર કરવામાં ન આવે અને જો કોઈ કર્મચારી આ હડતાલમાં જોડાશે તો તેની સામે ડિસ્મિસલ સહિતના કડક શિસ્તભંગના પગલાં ભરવામાં આવશે.
તંત્રના પૈડાં થંભી જાય તેવી ગંભીર સ્થિતિ
રાજયમાં વહીવટી તંત્રના પૈડાં થંભી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત સહિતના શહેરમાં સીટી સર્વે અને DILR વિભાગ છેલ્લા ત્રણ અઠવાડિયાથી હડતાળના રસ્તે છે.ત્યારે હવે પડતર પ્રશ્નો મામલે સરકારે આપેલાં ઠાલાં વચનોથી ત્રાસી ગયેલા સુરતના મહેસૂલ વિભાગના 500થી વધુ કર્મચારીઓએ પણ આજે સોમવારે સામૂહિક રજા પર ઊતરી જઈ સીધો મોરચો માંડ્યો છે.નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી તેમજ વર્ગ-૩ના ક્લાર્ક સહિતનો સ્ટાફ એકસાથે રજા પર ઊતરી જતાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મામલતદાર અને તાલુકા કક્ષાની કચેરીઓમાં સન્નાટો છવાઈ જશે, જેની સીધી અસર સરકારી વહીવટ તેમજ અરજદારોના રોજિંદા કામકાજ પર પર જોવા મળશે.
જનતાના વહીવટી કાર્યોમાં ભારે હાલાકી સર્જાશે
ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ અને લેન્ડ રેકોર્ડ્સ વર્ગ-3ર્મચારી મંડળની લાંબા સમયથી ઉચ્ચ પગાર ધોરણ અંગે સ્પષ્ટ માંગ છે.જેમાં સિનિયર સર્વેયરને પે-લેવલ-5માંથી લેવલ-6 તેમજ સર્વેયરને લેવલ-4માંથી લેવલ-5 આપવું,વિલંબિત બઢતી-બદલીના હુકમો કરવા, સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરવી અને મૂળ જોબ ચાર્ટ સિવાયના વધારાના બોજા સમાન કામકાજ દૂર કરવાનો સમાવેશ થાય છે.આ પ્રશ્નો અંગે સરકાર કક્ષાએ અસંખ્ય રજૂઆતો થઈ હોવા છતાં ફક્ત તારીખ પે તારીખ સિવાય કોઈ નક્કર પરિણામ ન આવતાં કર્મચારીઓનો ધીરજનો અંત આવ્યો છે. સીટી સર્વે અને જમીન દફતર વિભાગની હડતાળને પગલે પ્રોપર્ટી કાર્ડ, માપણી અને નોંધણીના કામો અગાઉથી જ રઝળી પડ્યા છે. હવે તેમાં મહેસૂલી કર્મીઓ પણ જોડાતાં ખેડૂત ખાતેદારોના દાખલા, જમીનની વારસાઈ, જંત્રી સંબંધી કામગીરી અને સામાન્ય જનતાના વહીવટી કાર્યોમાં ભારે હાલાકી સર્જાશે.
આજની માસ સીએલ તો માત્ર ટ્રેલર છે
કર્મચારી મંડળોએ રોકડું પરખાવ્યું છે કે આજની માસ સીએલ તો માત્ર ટ્રેલર છે.જો સરકાર તાત્કાલિક પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં લાવે તો આગામી બુધવારથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દેવાશે.તો બીજી તરફ તહેવારોની તૈયારીઓ વચ્ચે કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બનેલા નાગરિકો માટે આ વહીવટી મડાગાંઠ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.આ સામૂહિક રજાના પગલે ખાસ કરીને મહેસૂલ તંત્રની દૈનિક કામગીરી પર વહીવટી દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને જમીન મિલકત સંબંધિત અરજીઓનો નિકાલ, રેકોર્ડ સુધારણા અને અન્ય પ્રજાલક્ષી કામગીરીમાં વિલંબની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ Amreli News: મેલુ ઉપાડવાના નિવેદન સામે શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ, જાણો કેમ ખેડૂતો રોષે ભરાયા