અમદાવાદમાં પોલીસ કર્મીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. એક પોલીસ કર્મચારી કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરી રહ્યો હોવાનું વાયરલ થયેલા વીડિયોમાં જોવામળી રહ્યું છે. આ પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો હોવાનો પણ વીડિયોમાં લોકો આક્ષેપ કરી રહ્યાં છે. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મીએ હાથ ઉપાડ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદના વાસણા વિસ્તારનો આ વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોલીસ કર્મીએ કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરી

અમદાવાદમાં રાતના સમયે પીસીઆર વાનમાં આવેલા એક પોલીસ કર્મીએ કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરીને એક કિશોરને લાફો માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. બે કિશોર રાત્રે ગાર્ડનમાં ફરવા ગયા હોવાથી પોલીસની પીસીઆર વાનમાંથી એક પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારી લોકો સાથે દાદાગીરી કરી ગેરવર્તણૂંક કરી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસ કર્મી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો

આ પોલીસ કર્મચારીએ કિશોરના પરિવારજનોનો ફોન લઈને કાયદેસરની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કર્મી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા છે. દોષિત પોલીસકર્મી સામે પગલાં લેવા લોકોએ માગ કરી છે. સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચોઃ Indian Railway: ગુજરાતથી તિરુપતિ જવા નવી સીધી ટ્રેનની જાહેરાત, જાણો કેટલું છે ભાડું