મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 11 મે થી ઓખા અને તિરૂપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. નવી ટ્રેન શરૂ થતા ગુજરાતથી દક્ષિણ ભારત તરફ પ્રવાસ કરતા યાત્રીઓ, વેપારીઓ અને તીર્થયાત્રીઓને મોટી રાહત મળશે.આ ટ્રેન દ્વારકા, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ગુજરાતના અનેક મહત્વના શહેરોને સીધી રીતે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તીર્થસ્થળ તિરૂપતિ બાલાજી સાથે જોડશે.
દર સોમવારે ઓખાથી ઉપડશે
ટ્રેન નં.19560 ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ દર સોમવારે ઓખાથી રાત્રે 11.35 કલાકે ઉપડશે.આ ટ્રેન બીજા દિવસે સવારે 8.00 કલાકે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 11.30 કલાકે તિરૂપતિ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 19559 તિરૂપતિ-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 8.15 કલાકે તિરૂપતિથી ઉપડશે.આ ટ્રેન શનિવારે મોડી રાત્રે 1.10 કલાકે અમદાવાદ પહોંચશે અને સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે.
