રાજ્યમાં બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગર દ્વારા સતત સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાંથી દારૂના ગેરકાયદે વેપાર પર SMCની ટીમે મોટો દરોડો પાડ્યો છે. વિરમગામ નળસરોવર હાઇવે પર આવેલા રામછાપરી ત્રણ રસ્તા નજીક ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાર વોશિંગ પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતો હતો ખેલ

મળતી માહિતી મુજબ, વિરમગામના રામછાપરી ત્રણ રસ્તા પાસે નળસરોવર રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. SMCની ટીમે અચાનક દરોડો પાડીને સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના ટીન મળીને કુલ 124 નંગ બોટલો અને ટીન જપ્ત કર્યા હતા. જેની અંદાજિત કિંમત રૂપિયા 46,264 જેટલી થાય છે.

1.08 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીઓની ધરપકડ

આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ શૈલેષભાઈ ઘનશ્યામભાઈ કુમારખાણીયા અને વિશાલભાઈ ચંદુભાઈ ઠાકોર તરીકે થઈ છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટુ-વ્હિલર વાહન, બે નંગ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,08,924નો મુદામાલ જપ્ત કર્યો છે.

Ahmedabad News: State Monitoring Cell Seizes Foreign Liquor Worth Rs 1.08 Lakh in Viramgam, 2 Arrested

પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

SMC દ્વારા પકડાયેલા બંને આરોપીઓ, જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ સ્થાનિક પોલીસને સોંપવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેમજ આ નેટવર્ક સાથે અન્ય કયા કયા શખ્સો સંકળાયેલા છે, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Ahmedabad News : હેમેટોકોન 2026નું ભવ્ય આયોજન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે હેમેટોલોજીના રાષ્ટ્રીય સંમેલનનો પ્રારંભ