અમરેલીના સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયા પર મ્યુચ્યુઅલ ફ્રેન્ડ અંગે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિલા મિત્ર સાથે મ્યુચ્યુઅલ ફ્રેન્ડના મુદ્દે બે દિવસ પહેલાં થયેલી માથાકૂટ બાદ બે યુવકોએ સમાધાન કરવાના બહાને કુલદીપ સાંઢસુર અને પૃથ્વીરાજ ધાધલને બોલાવ્યા હતા. ત્યારબાદ બંને પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.
સમાધાનના બહાને બોલાવી હુમલો કર્યો
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલાં મહિલા મિત્ર સાથે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ અંગે કુલદીપ સાંઢસુરની માથાકૂટ થઈ હતી. આ વિવાદનું સમાધાન કરવાના બહાને ઉદય રાદડિયા અને એક સગીર યુવકે કુલદીપ તથા તેની સાથે રહેલા પૃથ્વીરાજને બોલાવ્યા હતા.
સગીરે છરીના ઘા માર્યાનો આક્ષેપ
બંને યુવકોને બોલાવ્યા બાદ તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલદીપ સાંઢસુર અને પૃથ્વીરાજ ધાધલ ઇજાગ્રસ્ત થયા હતા. સગીર યુવકે છરીના ઘા માર્યા હોવાની માહિતી સામે આવી છે.
કુલદીપને રાજકોટ સારવાર માટે ખસેડાયો
છરીના ઘા વાગતાં કુલદીપ સાંઢસુર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પૃથ્વીરાજ ધાધલે સમગ્ર ઘટનાને લઈને સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીર સહિત બે આરોપીઓ પોલીસના સકંજામાં
ફરિયાદના આધારે સાવરકુંડલા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઉદય રાદડિયા અને એક સગીર યુવક સહિત કુલ 2 આરોપીઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો : Crime : રસગુલ્લો હોવાનું કહીને મોંઢામાં મુકી દીધો બોમ્બ, વિસ્ફોટમાં 35 વર્ષીય યુવકનું મોત, પોલીસ તપાસમાં લાગી