અમરેલીના બાબરાના વાવડી ગામમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળીને એક પરણિત યુવાને પોતાની વાડીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક યુવાનની ઓળખ નિલેશ ગમારા તરીકે થઈ છે. નિલેશે પોતાની વાડીએ એક ઝાડ સાથે દોરડું બાંધીને જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરી આત્મહત્યા
પોલીસને તપાસ દરમિયાન મૃતક પાસેથી 6 પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં નિલેશે વ્યાજખોરોના ત્રાસ અને માથે ચડેલા દેવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે સ્પષ્ટપણે કેટલાક વ્યાજખોરોના નામ પણ લખ્યા છે. જેઓ તેને સતત પરેશાન કરી રહ્યા હતા. આ નોટ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખિત નામો પરથી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.













