કાયદો અને વ્યવસ્થાની રક્ષા જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારી જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે જનતા ક્યાં જાય? આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક ચોંકાવનારો અને કાયદાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. વસાવાએ કથિત રીતે દારૂના નશામાં ધૂત થઈ બેફામ કાર હંકારીને ઉપરાછાપરી અકસ્માતો સર્જ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving

બાઈક સવાર બે યુવકોને કચડ્યા

મળતી વિગતો મુજબ, બોરસદ પાસે પીઆઈ વસાવાએ પોતાની લક્ઝુરિયસ કારથી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આગળ વધીને વહેરા પાટીયા નજીક તેમણે એક બાઈકને પણ પાછળથી અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે નિર્દોષ યુવકો હવામાં ઊછળીને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving

અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ, દીવાલ સાથે અથડાઈ કાર

આટલો ગંભીર અકસ્માત સર્જ્યા બાદ પણ પીઆઈ વસાવાએ કાર રોકવાની તસ્દી લીધી ન હતી અને તેઓ નાપા તરફ ભાગ્યા હતા. જો કે, આગળ જતાં નાપા નજીક નિયંત્રણ ગુમાવતા કાર એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ રોડ સાઈડની ઝાડીઓમાં ઉતરી ગઈ હતી.

Anand Borsad Hit and Run: PI PP Vasava Arrested for Drunk Driving

સ્થાનિકોએ ઝડપી પોલીસને સોંપ્યા

ઘટનાને પગલે એકઠા થયેલા સ્થાનિક લોકોએ પીઆઈ પી.પી. વસાવાને સ્થળ પર જ દબોચી લીધા હતા અને બોરસદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા. અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી પોલીસના સત્તાવાર બૂટ, ટોપી અને ઓળખકાર્ડ મળી આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર પીઆઈ ભારે નશાની હાલતમાં હતા. હાલમાં બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી મેડિકલ ટેસ્ટ સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો  :    Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!