આણંદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલાસણ કેનાલ પાસે પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે પાંચ લોકોને અડફેટે લીધા. કારની ટક્કરથી પાંચ લોકો રોડની સાઈડમાં આવેલ ગટરમાં પડી ગયા. રસ્તેથી પસાર થતા એક સ્થાનિકનું ગટરમાં પડેલ લોકો પર ધ્યાન ગયું. તેમણે અન્ય લોકોની મદદથી ગટર પડેલા 5 લોકોને બહાર કાઢ્યા. કાર સાથે અથડામણના કારણે તમામ 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.


સ્વિફ્ટ કારે 5 લોકોને લીધા અડફેટે

એક કારમાં સવાર 5 લોકો વલાસ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમની કાર બગડી. કારમાં પંકચર થતા આગળ ના જઈ શકતા તમામ 5 લોકો ત્યાં ઉતરી ગયા. અને રોડની સાઈડ પર કાર પાર્ક કરી કાર ચાલક સહિત પાંચ જણા કારનું ટાયર ખોલી રહ્યા હતા. ત્યાં અચાનક પૂર ઝડપે એક સ્વિફાટ કાર આવી અને પાંચ જણાને અડફેટે લીધા. કારની ટક્કરને પગલે પાંચેય જણા રોડ બાજુની ગટરમાં પડી ગયા. ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા. સ્થાનિકોએ તમામ પાંચેય જણાને ગટરમાંથી બહાર કાઢ્યા. જો કે કારની અથડામણના કારણે 5માંથી ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

કાર ચાલક પોલીસ હોવાનું અનુમાન

કારની અથડામણની ઘટનાને પગલે લોકો ભેગા થતા સ્વિફટનો કારચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો. દરમિયાન સ્થાનિકોએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને પ્રાથમિક તપાસ હાથ ધરી. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ પાંચ લોકોને અડફેટે લેનાર સ્વિફાટ કારની તપાસ કરતા તેમાં આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ના હોવાનું સામે આવ્યું. આ ઉપરાંત સ્વિફટ કારમાંથી પોલીસને ખાખી વર્દી મળી આવતા કાર ચાલક પોલીસ કર્મચારી હોવાનું અનુમાન છે. વલ્લભવિદ્યાનગર પોલીસે કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા.

  • Follow us on: