માઉન્ટ આબુની મુલાકાતે ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ફરી એકવાર લૂંટારૂ તત્વોનો ભોગ બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના બે યુવકો આબુરોડ પર બસમાંથી ઉતરતાની સાથે જ લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ પ્રવાસીઓ પાસેથી તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને પ્રતિકાર કરતા બંને યુવકો પર છરીના જીવલેણ ઘા પણ ઝીંક્યા હતા. આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
છરીના ઘા મારી લૂંટારૂ તત્વો ફરાર
બનાસકાંઠાના આ બંને પ્રવાસીઓ પર હુમલો કરનાર લૂંટારૂ તત્વો એટલા બેફામ હતા કે જાહેરમાં છરીના ઘા મારીને તેઓ સરળતાથી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બસમાંથી ઉતરતાની સાથે જ પ્રવાસીઓને નિશાન બનાવવાની આ ઘટનાથી માઉન્ટ આબુ અને આબુરોડની આસપાસના વિસ્તારમાં ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. લૂંટારૂઓએ મોબાઇલ ફોન લઈને તરત જ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે હાજર લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો.













