દેશની સરહદોની રક્ષા કરનાર સુરક્ષા જવાનો પોતાના જ વતનમાં કેટલા સુરક્ષિત છે તે અંગે બનાસકાંઠાથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાંતીવાડા ખાતે આવેલા BSF કેમ્પમાં ફરજ બજાવતા અને અમીરગઢ વિસ્તારના રહેવાસી એવા જવાન ભરત દેસાઈ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને સનસનાટી ફેલાઈ ગઈ છે.
બુટલેગરો અને સાગરીતો દ્વારા ધારિયાં જેવા તીક્ષ્ણ હથિયારોથી પ્રહાર
પ્રાપ્ત વિગતો અનુસાર, અમીરગઢ પંથકમાં સક્રિય બુટલેગરો અને તેમના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હુમલાખોરોએ અગાઉથી જ ઘાત લગાવીને BSF જવાન ભરત દેસાઈ પર ધારિયાં અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ પ્રહારો કર્યા હતા. આ અચાનક થયેલા હુમલામાં જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી ગયા હતા, જ્યારે હુમલાખોરો નાસી છૂટ્યા હતા.
