બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાંથી માર્ગ અકસ્માતનો એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. દાંતા નજીક પૂરઝડપે જઈ રહેલી એક પિકઅપ વેન અચાનક અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, વાહનની બ્રેક ફેઈલ થઈ જવાથી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વાહનમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 15 કરતાં વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
ગંભીર કેસોને પાલનપુર રિફર કરાયા
અકસ્માતની આ ભયાનકતાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે દાંતાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ઘાયલોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પ્રાથમિક સારવાર બાદ જે મુસાફરોની તબિયત વધુ ગંભીર જણાઈ હતી તેમને તબીબો દ્વારા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
