બનાસકાંઠાના ભાભરમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે. અબાળા ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચના પરિવાર વચ્ચે ધિંગાણું થયું છે. લાકડીઓ અને દાતરડાથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામા બંને પક્ષના 10થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. મારા મારી દરમિયાન વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં ભાભરના અબાળા ગામે મારામારી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામમાં પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચના પરિવારો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. દબાણો દૂર કરવા મામલે અદાવત રાખીને ધિંગાણું ખેલાયું હતું. ધોકા, લાકડીઓ અને દાતરડાથી હુમલો થયો હતો. આ હુમલામાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ઈજાગ્રસ્તોને ભાભરના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી આગળ રીફર કરાયા હતાં. મારામારીની ઘટનામાં વાહનોમાં પણ તોડફોડ કરાઈ હતી.
બંને પક્ષના 10થી વધારે લોકોને નાની મોટી ઈજા
હુમલાની ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. સમગ્ર હુમલાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. બંને પરિવારો વચ્ચે ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં દુકાનો બંધ થઈ જતાં સુનકાર વ્યાપી ગયો હતો. આ મામલે ભાભરના પીઆઈ એસડી ચૌધરીએ કહ્યું હતું કે, આ હુમલા બાબતે કોઈ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ હુમલો કરનાર લોકોને પકડવા ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે. બંને પક્ષના લોકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.