બાયડ ટાઉનમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. બાયડ બસ સ્ટેન્ડ જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં કેટલાક માથાભારે યુવકોએ ધોળા દિવસે સ્ટેટ હાઇવે પર પોતાની રિક્ષા આડી હોંકેલી રાખી દીધી હતી. રસ્તો બ્લોક થઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને પબ્લિક પ્રોપર્ટી વચ્ચે જ યુવકોના બે જૂથો આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો તથા લાતો-મુક્કાનો ભયાનક મારપીટનો ખેલ શરૂ થયો હતો.
બચાવવા ગયેલી પોલીસ પર જ તૂટી પડ્યા તોફાનીઓ
બસ સ્ટેન્ડ જેવા પબ્લિક પ્લેસ પર ચાલતી આ લાઈવ મારામારીના દ્રશ્યો જોઈને મુસાફરો અને મહિલાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આસપાસના દુકાનદારોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને ફોન કરતાં જ પીસીઆર વાન સાથે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જ્યારે આ મામલો થાળે પાડવા અને રસ્તો ખુલ્લો કરાવવા વચ્ચે પડી, ત્યારે અસામાજિક તત્વોનો અસલી ચહેરો સામે આવ્યો હતો. પકડાઈ જવાના ડરે આ તોફાની તત્વોએ કાયદાના રક્ષક એવા પોલીસ જવાનો સાથે જ માથાકૂટ શરૂ કરી દીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શખ્સોએ ફરજ પરના પોલીસ કર્મચારીને પકડીને પાછળ ધકેલવાનો અને ધક્કો મારવાનો હીન પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, એક તબક્કે તો ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો પોલીસ સામે હાથ ઉઠાવવા સુધીની હિંમત કરી બેઠા હતા, જેના કારણે મામલો અત્યંત ગંભીર અને ઉગ્ર બન્યો હતો.










