ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી આદર્શ પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષકની બર્બરતા સામે આવી હતી. સંદેશ ન્યૂઝ દ્વારા આ ગંભીર ઘટના અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ શિક્ષણ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ધોરણ 2ના માસૂમ વિદ્યાર્થીને પાઇપ વડે ઢોર માર મારનાર શિક્ષક મુબારક યુસુફ ભડ (બરફા) સામે કડક પગલાં ભરતાં શિક્ષણ વિભાગ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
આમોદ TPOની સંયુક્ત તપાસમાં શિક્ષક પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જાહેર
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) ની સંયુક્ત ટીમ દ્વારા શાળામાં પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક વિગતો અને સાક્ષીઓની પૂછપરછમાં શિક્ષક મુબારક ભડ વિદ્યાર્થીને માર મારવાના મામલે સંપૂર્ણ દોષિત હોવાનું બહાર આવ્યું હતું. તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષક સામે સસ્પેન્શનનું આકરું પગલું ભરવામાં આવ્યું છે.
