ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલમ ગામે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી હતી. જ્યા પતિ અને પત્ની વચ્ચે ઘર ચલાવવા માટેના ખર્ચને લઈને અવારનવાર ઉગ્ર દલીલો અને ઝઘડા થતા હતા. પતિ આસિફ સીતપોણીયા પોતાની પત્નીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, તેમજ નાની-નાની બાબતોમાં અસભ્ય ભાષામાં અપશબ્દો બોલીને હેરાન-પરેશાન કરતો હતો.
જમવાનું પીરસતી વખતે જ ક્રૂરતાની તમામ હદો વટાવી
આ વિવાદે એક દિવસ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની પોતાના પતિ માટે પ્રેમથી જમવાનું કાઢી રહી હતી, તે જ સમયે ઉશ્કેરાયેલા પતિ આસિફ સીતપોણીયાએ રાક્ષસી માનસિકતા દર્શાવી હતી. તેણે પત્ની પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી. આ કાળજું કંપાવી દેતી ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું.
2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો
આ સનસનાટીભર્યા હત્યાકાંડ સંદર્ભે વર્ષ 2020 માં વાગરા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ આસિફ સીતપોણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. વાગરા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તમામ જરૂરી પુરાવા એકત્રિત કરીને આરોપી વિરુદ્ધ અદાલતમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.

અદાલતમાં સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવા રજૂ કરાયા
આ કેસ ભરૂચની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તરીકે જે. જે. પરમાર હાજર રહ્યા હતા. તેમણે કેસની સુનાવણી દરમિયાન અદાલત સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. આ સિવાય બનાવ નજરે જોનારા સાક્ષીઓના મહત્વના નિવેદનો અને વૈજ્ઞાનિક તથા તબીબી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરીને આરોપી સામેનો ગુનો નિઃશંકપણે પુરવાર કર્યો હતો.
ભરૂચ કોર્ટે સંભળાવ્યો આજીવન કેદ અને દંડનો ચુકાદો
કેસની આખરી સુનાવણી બાદ 5th એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ પી. એમ. સોનીએ તમામ પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને આરોપી આસિફ સીતપોણીયાને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો રોકડ દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
આ પણ વાંચો: Bharuch: વેપારી બાથરૂમમાં ગયા ને ગઠીયો 15 લાખ રોકડા ભરેલી બેગ લઈ ફરાર, ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ