ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ડુપ્લીકેટ ખેતીવાડી દવાઓના ગેરકાયદેસર ઉત્પાદનનો મોટો પર્દાફાશ થયો છે. પ્રશાંત એગ્રીક સર્વિસ કંપનીમાં પોલીસે ગોપનીય માહિતીના આધારે દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાં યુપીએલ (UPL) કંપનીના નામે નકલી અને ગેરકાયદેસર ખેતીવાડી દવાઓ તૈયાર કરવામાં આવી રહી હતી.
મશીનરી પણ જપ્ત કરવામાં આવી
આ દવાઓ પર જાણીતી બ્રાન્ડનું લેબલ લગાવી ખેડૂતોને ભ્રમિત કરવાની યોજના ચાલી રહી હતી, જેનાથી ખેતી ક્ષેત્રે ગંભીર નુકસાન થવાની શક્યતા હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં કાચો માલ, પેકિંગ સામગ્રી અને તૈયાર થયેલી નકલી દવાઓ સહિત 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ થતી મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ફેક્ટરીને સીલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
